demo ads

અજાણ્યા નંબર પર વિડીયો કોલથી વાત કરતાં પહેલાં સાવધાન!


અજાણ્યા નંબર પર વિડીયો કોલથી વાત કરતાં પહેલાં સાવધાન!
 સત્ય ઘટના આધારિત વાત આપની સમક્ષ મુકી રહ્યો છું. વાત યોગ્ય લાગે તો અન્ય લોકો સુધી પહોંચાડજો. 

       થોડા દિવસ પહેલાં એક નંબર પરથી ત્રણથી ચાર વખત ફોન આવી ગયેલા. હું બીજા ફોનમાં વ્યસ્ત હોઈ એમણે મને અરજન્ટ કોલ કરવા મેસેજ કર્યો. થોડી વાર પછી મેં કોલ કર્યો તો એમણે ચિંતિત અવાજે મને પોતાની વાત જણાવવાનું શરૂ કર્યું અને કહ્યું કે એક પ્રોબ્લેમ થઈ ગયો છે. મેં પૂછ્યું કે શું થયું? 
તો એમણે જણાવ્યું કે ફેસબુક મેસેન્જરમાં એક છોકરીનો મેસેજ આવેલો અને એને કામ છે એવું જણાવ્યું એટલે મેં મારો નંબર આપેલો. 

મેં પૂછ્યું કે પછી?

એમણે કહ્યું કે પછી એ છોકરીનો મને whatsapp માં વિડીયો કોલ આવેલો અને મેં કોલ રીસીવ કર્યો તો એ છોકરી સંપૂર્ણ નિર્વસ્ત્ર હાલતમાં હતી અને મને લલચાવવાનો પ્રયત્ન કરવા લાગી એટલે મેં ડરીને ફોન બંધ કરી દીધો. 

મેં પૂછ્યું પછી?

એમણે જણાવ્યું કે પછી એ છોકરીએ મને સ્ક્રીન રેકોર્ડરથી રેકોર્ડ કરેલો અમારો બંનેનો વિડીયો મોકલ્યો જેમાં સ્ક્રીનના અડધા ભાગમાં એ સંપૂર્ણ નિર્વસ્ત્ર હાલતમાં હોય છે અને સ્ક્રીનના બીજા ભાગમાં હું વાત કરતો હોઉં છું. 15 કે 20 સેકન્ડના આ વિડીઓના આધારે એ છોકરીએ મને બ્લેકમેઇલ કરવાનું ચાલુ કર્યું છે.

એ છોકરીએ આ ભાઈ પાસે ફોન કરીને પૈસાની માંગણી કરી અને જો એ પૈસા ન આપે તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની અને પોલીસ કેસ કરવાની પણ ધમકી આપી છે. 

મેં એ ભાઈને કહ્યું કે ચિંતા ન કરશો અને કેસ કરવા દો. હવે ફોન આવે તો મને જાણ કરજો. એ પછી એ ભાઈએ એ છોકરીનો નંબર બ્લોક લિસ્ટમાં મુકી દીધો. 

બીજા દિવસે એ ભાઈને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો જેમાં એ ભાઈને સામેથી કોઈ ભાઈએ હિન્દીમાં વાત કરતાં જણાવ્યું કે એ પોતે દિલ્હીથી બોલે છે અને આ ભાઈ ઉપર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. 

ફરીથી આ ભાઈએ મને ફોન કર્યો અને વિગત જણાવી. મેં એ ભાઈને કહ્યું કે મને કોન્ફરન્સમાં લેજો હવે કોલ આવે એટલે. પેલા દિલ્લીવાળા ભાઈએ ફરીથી આ ભાઈને ફોન કર્યો. આ ભાઈએ મને કોન્ફરન્સ કોલમાં વાત કરાવી. મેં દિલ્લીવાળા ભાઈની પૂછપરછ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો એણે શાંતિથી પોતાનું નામ જણાવ્યું. પછી મેં એને આ ભાઈનો ગુન્હો પૂછ્યો. થોડીવારમાં એણે ગુસ્સાથી વાત કરવાનું શરૂ કર્યું અને મને જણાવ્યું કે ગુગલ અને યુટ્યુબ દ્વારા આ ભાઈ ઉપર કેસ કરવામાં આવ્યો છે. મેં એની પાસે ફરિયાદ ક્યાં નોંધાઇ અને કયા નંબરથી નોંધાઇ છે તથા કયા કાયદાની કઈ કલમો મુજબ નોંધાઇ છે એની વિગતો માંગી તો એ એકદમ ઉશ્કેરાઈ ગયો. ત્યારબાદ, એની પોસ્ટ, ફરજ પરનું સ્થળ, બકલ નંબર, સિનિયર અધિકારીનું નામ વગેરે વિગત માંગી તો એકદમ ગુસ્સામાં આવીને મને કહે કે ત્યાં આવીને બધું જ જણાવુ છું અને પેલા ભાઈને પકડીને દિલ્હી લઈ જવાનું કહ્યું. મેં કહ્યું કંઈ વાંધો નહીં કોર્ટનો ઓર્ડર લઈને આવો અને લઈ જાઓ. પછી એ ભાઈએ ફોન મુકી દીધો.

આ બાજુ જે ભાઈએ વિડીયો કોલથી વાત કરેલી એ થોડા ગભરાઈ ગયા અને જે દિલ્લીવાળા એ પોતે પોલીસ હોવાની ઓળખાણ આપેલી એનું Whatsappનો ડિસ્પ્લે ફોટો જોયો જેમાં એણે કોઈ પોલીસનો ફોટો જ મુકેલો. જેથી આ ભાઈ ગભરાઈ ગયા. પછી મેં એ ભાઈને ફોટો ઝુમ કરીને સમજાવ્યું કે એ પોલીસવાળા એ જે નામ આપેલું એ અને આ ભાઈની નેમ પ્લેટનું નામ મેચ નથી થતું. તેમછતાં એ ભાઈને થોડો તો મનમાં ડર હતો જ.

જો કે એ પછી પેલા ભાઈ કે પેલી છોકરીનો કોઈ ફોન કે મેસેજ હજી સુધી આવ્યો નથી. 

પરંતુ, અહીંયા અમુક બાબતો ખાસ વિચારવા જેવી છે કે કેટલી વ્યવસ્થિત પદ્ધતિથી આખું એક રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. હું પોતે વકીલ તરીકે એ ભાઈની પડખે ઉભો હતો અને મેં પોતે વાત કરીને એમને બધું સમજાવ્યું તેમ છતાં જો એનો ડર હું 100% દુર ન કરી શક્યો તો પછી જે માણસ આ રીતે કોઈની આગળ ખુલી ના શકે એ લોકોની શુ હાલત થતી હશે? 
આ રીતે રોજ કેટલા લોકો ખોટી રીતે લૂંટાતા હશે?? 

એટલા માટે જ દરેક મિત્રોને અપીલ કે કોઈ અજાણ્યા નંબર પરથી આ રીતે વિડીયો કોલ આવે તો સંપૂર્ણ વિશ્વાસ કરીને પોતાનો સંયમ ગુમાવીને થોડા સમયની વાત તમારી માનસિક અને આર્થિક શાંતિ હણી શકે છે. 

માટે સાવધાન! આ સંજોગોમાં કોઈ નાણાકીય વહીવટ કરતા પહેલા જાણકાર મિત્ર કે વકીલની તુરંત જ સલાહ લેવી. 

#સ્વાનુભવ 

-એડવોકેટ સુબોધ
8490919812

Post a Comment

0 Comments